અનંત ચતુર્દશી શું છે આ ? જાણો બધુજ વિગતે – Anant Chaturdashi
અનંત ચતુર્દશી ભાદરવા મહિનાની શુક્લપક્ષ ની ચૌદસ ને કહેવામાં આવે છે. અને આ દિવસે અનંત રૂપમાં ભગવાન શ્રી વિષ્ણની પૂજા કરવામાં આવે છે. જે રીતે રક્ષાબંધનની રાખડી હોઈ છે તેવી જ રીતે રૂ અથવા રેશમના દોરાને કંકુવાળો કરી તેમાં 14 ગાંઠ કરવામાં આવે છે.
આ 14 ગાંઠો, 14 લોક ને નિરૂપિત કરે છે અને જે લોકો અનંત ચતુર્દશીનું વ્રત કરે છે તે લોકો આ દોરાને પોતાના હાથ માં બાંધે છે. પુરુષો આ દોરાને પોતાના જમણા હાથ માં બાંધે છે અને સ્ત્રીઓ આ દોરાને પોતાના ડાબા હાથમાં બાંધે છે.
અનંત ચતુર્દશીનું વ્રત વ્યક્તિગત રીતે કરવામાં આવે છે અને આ દિવસને ધાર્મિક ઉત્સવની જેમ મનાવવામાં નથી આવતો। પણ આ જ અનંત ચતુર્દશીના દિવસે 10 દિવસ નો ગણપતિ તહેવાર જે ગણેશ ચોથથી શરુ થયો હોઈ છે, તે આ દિવસે પૂરો થઇ છે અને ગણપણતી ભગવાનની મૂર્તિ નું નદી, સમુદ્ર કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના છેલ્લા દિવસ એટલે કે અનંત ચતુર્દશીના દિવસ ને મહારાષ્ટ્રમાં ખુબજ ધામધૂમથી મનાવવામાં આવે છે.
અનંત ચતુર્દશીના દિવસ ને ભગવાન શ્રીવિષ્ણુ નો દિવસ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે જે મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરે છે, તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તે ઉપરાંત જે મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરી શ્રી હરિ વિષ્ણુ ભગવાન ની પૂજા કરે છે, તેના પર ભગવાન શ્રી વિષ્ણુ પ્રસ્સન થાય છે અને તેને સુખ, સંપત્તિ, ધન-ધાન્ય, યશ-વૈભવ, લક્ષ્મી, પુત્ર વગેરે અનેક પ્રકારના સુખ આપે છે.
સામાન્ય રીતે અનંત ચતુર્દશીનું વ્રત નદી કિનારે કરવું જોઈએ અને આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની કથાઓ વાંચવી કે સાંભળવી જોઈએ। પરંતુ જો આ શક્ય ના હોય તો, આપણા ઘરમાં જ્યાં ભગવાન નું મંદિર હોય ત્યાં બેસી ને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી, વિષ્ણુ શહસ્ત્રનામ ના પાઠ કરવા જોઈએ અને ભગવાન શ્રી વિષ્ણુની વાર્તા-કથાઓ કરવી જોઈએ।
સામાન્ય રીતે, અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર ને કહેલી કૌડિલ્ય તથા તેમની પત્ની મીનાની કથા કહેવામાં અને સાંભળવામાં આવે છે. અને અંતર્ગત ભાવવાન શ્રીકૃષ્ણનું કેહવું છે કે “અનંત” અનેક રુપોમાંથી એક જ છે “કાળ” એટલે કે સમય નું પ્રતીક છે. આ વ્રત માટે એવું પણ કહેવામાં આવે છે, આ વ્રત સળંગ 14 વર્ષો સુધી નિયમ અનુસાર કરવામાં આવે, તો તેમને વિષ્ણુલોક ની પ્રાપ્તિ થાય છે. સત્યનારાયણ ભગવાન ની જેમ જ અનંત ભગવાન પણ ભગવાન શ્રી વિષ્ણુનું જ એક નામ છે અને એ જ કારણથી આ દિવસે સત્યનારાણ ભગવાન નું વ્રત અને કથા ની સાથે અનંત ભગવાન ની કથાઓ કરવામાં આવે છે.
અનંત ચતુર્દશીનું વ્રત કેવી રીતે પ્રચલિત થયું:
અનંત ચતુર્દશી વ્રતનો ઉલ્લેખ ભાગવાન શ્રીકૃષ્ણએ મહાભારત ગ્રંથમાં કરવામાં આવ્યો હતો. અને સૌથી પેહલા આ વ્રત શ્રીકૃષ્ણ ભગવાન ના કહેવાથી પાંડવોએ નિયન અનુસાર કર્યું હતું।
વાત એમ હતી કે એકવાર મહારાજા યુધિષ્ઠિરએ રાજસૂય યજ્ઞ કર્યો। આ વખતે વાસ્તુવિઘ્નોએ જે યજ્ઞનો મંડપ બનાવ્યો હતો તે ખુબજ સુંદર તો હતોજ તેની સાથે સાથે એકદમ અદભુત હતો. મહારાજા યુધિષ્ઠિર માટે વાસ્તુવિઘ્નોએ જે મંડપ બનાવ્યો હતો એ એટલો બધો મનોરમ હતો કે જળ અને સ્થળ ની પ્રતીતિ જ નહોતી થતી. એટલે કે જળમાં સ્થળ અને સ્થળ માં જળની પ્રતીતિ થતી હતી. આપણે આને સરળ શબ્દો માં કહીયે તો જ્યાં જળ હતું ત્યાં સ્થળ દેખાતું હતું અને જ્યાં સ્થળ હતું ત્યાં જળ દેખાતું હતું। અને ગમે તેટલી સાવધાની રાખવાના પશ્ચાત પણ લોકો ધોખો ખાઈ જતા હતા.
એવામાં એકવાર ફરતા ફરતા દુર્યોધય્ન પણ જ્યાં આ યજ્ઞ મંડપ હતો ત્યાં આવી ચડ્યો અને પાણી થી ભરેલા એક તળાવને સ્થળ સમજીને તેમાં પડી ગયા. સંજોગો વસાત દ્રૌપદી પણ ત્યાં જ હતા અને દુર્યોધનને જળથી ભરેલા તળાવને સ્થળ સમજતા તેમાં પડી ગયો આ જોઈ ને તેને હસવું આવ્યુ અને તેમના થી બોલાય ગયું કે “આંધળા ના સંતાન આંધળા” , એવું કહી ને દુર્યોધન ની મજાક ઉડાવી કારણ કે દુર્યોધન ના પિતા ધૃતરાષ્ટ્ર સ્વયં જન્મ થી આંધળા હતા.
દ્રૌપદી આ દુર્યોધન ના આવા મજાક કરવાથી ખુબજ ગુસ્સે થયા. આ વાત દુર્યોધન ના હૃદય માં બાણની જેમ ખૂંચવા લાગી અને છેવટે તેને આ વાત નો બદલો પાંડવોને જુગારમાં હરાવીને લીધો.
પ્રતિજ્ઞા અનુસાર હરવા પર પાંડવો ને 12 વર્ષો નો વનવાસ ભોગવવો પડ્યો અને અનેક દુઃખોનો સામનો કરવો પડ્યો। એકવાર જયારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા માટે ગયા ત્યારે યુધિષ્ઠિર એ ભગવાન ને જણાવ્યું કે તેઓ કેટલું કષ્ટ વેઠી ને તેમના વનવાસ નો સમય ગાળી રહ્યા છે. અને પોતાના દુઃખો થી બચવા માટે નો ઉપાય ભગવાન શ્રીકૃષ્ણ પાસે માંગ્યો। ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ આ ઉપાયના રૂપમાં તેમને કહ્યું :
“ હે યુધિષ્ઠિર, તું પૂર્ણ શ્રદ્ધા અને નિયન અનુસાર ભગવાન અનંત નું વ્રત કર, આનાથી તારા તમામ દુઃખો દૂર થઇ જશે અને તારું હારેલું રાજ્ય તને પાછું મળશે।”
જયારે યુધિષ્ઠિરએ આ અનંત ચતુર્દશી નું વ્રત કરવાનું માહાત્મ્ય પૂછ્યું, તો આ સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણએ એક કથા સંભળાવી જે અનંત ચતુર્દશી નું વ્રત કરવા વાળા તમામ વ્યક્તિએ સાંભળવી અને સંભળાવવી જોઈએ। એ કથા આ અનુસાર છે:
આ વ્રત ભાદરવા વદ ચૌદસ ના દિવસે કરવામાં આવે છે. આ વ્રત શેષનાગ પાર પોઢેલા ભગવાન શ્રીવિષ્ણુ જે અનંત સ્વરૂપ છે તેમનું વ્રત છે.
************************************************************************
હજારો વર્ષો પેહલાની વાત છે. એ જમાનામાં એક ભલો બ્રાહ્મણ અને બ્રહ્માણી હતા.
બ્રાહ્મણ નું નામ સુમન હતું અને તેની પત્ની નું નામ સુમતિ હતું।
આ બ્રાહ્મણ દંપતીને એક પુત્રી હતું જેનું નામ મીના હતું।
મીના ના નસીબ માં ખુબ દુઃખ લખાયેલું હતું, બિચારીની માં તેને નાની મૂકી ને મારી ગઈ અને સુમને થોડાજ સમયમાં બીજા લગ્ન કરી લીધા।
મીનાની નવી માં ખુબજ ઝઘડાખોર હતી. એ મીના ઉપર ભારે વેર રાખતી હતી. એ પોતે આખો દિવસ નવરી બેસી રહે અને મીના પાસે આખો દિવસ કામનો ઢસરડો કરાવે। મીના આખો દિવસ બિચારી ઘરકામમાંથી જ નવરી ના થાય.બિચારી મીનાની માં મરી ગઈ હોવાથી, તે કશુ જ બોલે નહિ અને મૂંગે મોઢે આ બધું સહન કર્યા કરે.
પરંતુ મીના હવે મોટી થઇ હતી, તે બધું જ સમજતી હતી. એના પિતાજી તેના માટે મુરતિયાની શોધ કરી રહ્યા હતા. એવામાં મહામુનિ કોંડિલ્ય ત્યાં આવી ચડ્યા। તેમને સંસારી બનાવા માટે મીનાના હાથનું માંગુ કર્યું અને સુમનએ એ માંગણી સ્વીકારી લીધી।
અંતે મીના અને કોંડિલ્યમુનિના લગ્ન થઇ ગયા. બાપે દીકરીને સાસરે વિદાય કરી. રસ્તામાં યમુના નદીને કિનારે વેલ ઉભી રાખી ને મુનિએ તથા મીના પાણી પીવા ઉતાર્યા ત્યારે એના જેવડી કન્યાઓ નદીને કાંઠે પૂજન કરતી હતી. આથી મીનાએ તેમને પૂછ્યું,
” બેહનો, તમે બધા શેનું પૂજન કરો છો ?”
ત્યારે છોકરીઓએ કહ્યું, ” બહેન ! અમે તો અનંત ભગવાનનું વ્રત કરીયે છીએ. આ વ્રત જે કરે, અને કોઈપણ પ્રકારનું દુઃખ રહેતું નથી. “
“તો બહેનો, મને પણ આ વ્રત આપો ને !” મીના બોલી।
એટલે એક છોકરીએ રેશમી દોરાને 14 ગાંઠો વાળીને કંકુથી રંગ્યો અને પછી ભગવાન અનંતનું નામ લઇને મીનાના હાથે બાંધી દીધો।
મુનિએ અને મીનાએ પાણી પીને થોડીવાર ત્યાં આરામ કરીને વેલ જોડીને પોતાને ઘેર જવા માટે રવાના થયા. થોડા સમય બાદ તેઓ પોતાના ઘેર પહોંચી ગયા. ઘરમાં આવીને તેઓ રહ્યા અને જોયું તો ભગવાન અને તેમની કૃપાથી એમના ઘરમાં કોઈ વાતની કંઈ નથી. એમના ઘરમાં સુખ અને સંપત્તિ દિવસે ને દિવસે વધતી જાય છે.
આથી એક દિવસ મીનાએ કહ્યું,
” નાથ ! આપણી આ બધી સુખસગવડોનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે.”
આ સાંભળી કોંડિલ્ય મુનિ રોષે ભરાયા અને બોલ્યા, “ નહિ ! આ બધું તો મારા પરિશ્રમના લીધે છે.”
આમ પતિપત્ની વચ્ચે વિવાદ ચાલ્યા અને એમાં તેઓ ઝઘડી પડ્યા। ક્રોધના આવેશમાં મુનિએ મીનાના હાથો નો અનંત વ્રતનો દોરો તોડી નાખ્યો।આ દોરો મીનાએ એકદમ ઝડપથી ઉપાડી દીધો અને દૂધમાં નાખી દીધો। પરંતુ કોંડિલ્ય મુનિની બુદ્ધિ આજે ઠેકાણે ન હતી. એટલે તેમણે દૂધમાંથી દોરો કાઢીને ચૂલામાં નાખી સળગાવી દીધો।
અને… આજે કોંડિલ્યનું ભાગ્ય બદલવા લાગ્યું।
કોંડિલ્યમુનિની સુખ-સમૃદ્ધિ એક પછી એક નાશ પામવા લાગી, અને એક પછી એક સંકટો આવવા લાગ્યા। ઘડીના છઠ્ઠા ભાગમાંતો એમની સુખ-સમૃદ્ધિ નાશ પામી અને કરેલા કર્મ ઉપર હવે પોતે પસ્તાવા લાગ્યા।
પણ હવે શું થાય ?
પોતાના પતિને આવી દુઃખી અવસ્થામાં જોઈને મીનાએ કહ્યું, ” નાથ ! ભગવાન તો ઘણો દયાળુ છે. ચાલો આપણે અનંત ભગવાનની શોધમાં જઈએ. આપણે ભગવાનની માફી માગીશું , એટલે ભગવાન આપણી સામે જરૂરથી જોશે।”
અને આમ નિર્ણય કરીને પતિપત્ની ભગવાન અનંતની શોધમાં ચાલી નીકળ્યા। વન અને વગડો ખૂંદતા ખૂંદતા તેઓ ચારેબાજુ ફર્યા, પણ ક્યાંય એમને અનંત ભગવાન મળ્યા નહિ. પરંતુ કોંડિલ્ય મુનિનો તો નિશ્ચય હતો કે જો ભગવાન મળે તો જ પાછા ફરવું। રસ્તામાં જે મળે તેને પૂછતાં મુનિ અને મીના બંને આગળ વધતા જાય છે પણ અનંત ભગવાન ક્યાંય મળતા નથી.
બંને જણા થાકીને લોથપોથ થઇ ગયા અને એક ઝાડની નીચે વિસામો લેવા બેઠા। એમાં મીના ઊંઘી ગઈ, એ તકનો લાભ લઇ મુનિ ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાસો ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ પ્રકટ થયો અને એણે એનો હાથ પકડી લીધો। હાથ પકડીને એને પૂછ્યું,” ભાઈ ! તને શું દુઃખ છે ? તું શા માટે ગળે ફાસો ખાય છે ?”
” મારા દુઃખનો તો કોઈ પાર નથી, મારે તો ભગવાન અનંતના દર્શન કરવા છે. હું તેમનો ગુનેગાર છું.” એટલું બોલતા જ કોંડિલ્ય મુનિ રડી પડ્યા।
” ઓહો ! એટલી જ વાત છે ને ? એમાં તું આટલું મોટું પાપ કરવા તૈયાર થયો છે? ચાલ, હું તને ભગવાન અનંતના દર્શન કરાવું”, આમ કહીને બ્રાહ્મણે મુનિને ધીરજ આપી અને એને પાતાળમાં લઇ ગયા. ત્યાં આગળ જઈને જુવે તો ભગવાન અનંત શંખ, ચક્ર, ગાળા અને પદ્મ ધારણ કરીને બિરાજેલા હતા.
મુનિ તો ભગવાન ને જોઈને તેમના ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। ભગવાનએ અમને આશ્વાસન આપ્યું અને શાંત કાર્ય। પછી ભગવાન બોલ્યા :
” હે કોંડિલ્ય મુનિ ! તમે નિરાશ ન થાવ. આ વ્રત તમે 14 વરસ સુધી કરો. આમ કરવાથી તમારા બધા જ સંકટો દૂર થશે અને તમે સુખ-સમૃદ્ધિ પામશો।”
ભગવાનના વચન સાંભળીને મુનિ તો આનંદમાં આવી ગયા. ભગવાનના આશિર્વદ લઈને મુનિ ચાલી નીકળ્યા અને મીના પાસે આવ્યા ત્યારે મીના જાગી ગઈ હતી.
આવીને તેમણે મીનાને બધી જ વિગતે વાત કરી; એટલે બંને જણા રાજી થતા થતા ઘેર ગયા.
ઘેર આવીને તેમણે અનંત ચતુર્દશીનું વ્રત લીધું।
આ વ્રત ના પ્રભાવથી એમણે ગયેલી બધી સંપત્તિ પાછી મેળવી અને તેઓ સુખી થઇ ગયા.
આ વ્રત જેવું મુનિ અને મીનાને ફડ્યું એવું સૌને ફળજો।
************************************************************************
ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે પણ અનંત ભગવાનનું 14 વરસ સુધી વિધિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું જેના પ્રભાવથી પાંડવો મહાભારતનું યુદ્ધ જીત્યા અને ચિરકાળ સુધી રાજ્ય કરતા રહ્યા। અને આ રીતે અનંત ચતુર્દશી નું વ્રત યુગે યુગ થી પ્રચલિત થતું આવ્યું છે.
